ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દેશમાં સૌપ્રથમ વખત 1 જુલાઈ,2017માં અમલી કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ 6 વર્ષમાં પહેલી વખત એપ્રિલ 2023માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે. આ પહેલા સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રીલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એપ્રીલ 2022ની તુલનામાં ગત મહિને 19,495 કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું હતું.
સરકારી આંકડા મુજબ એપ્રીલમાં કુલ 1,87,035 કરોડ જીએસટીમાં CGST કલેક્શન 38,440 કરોડ રૂપિયા, SGST કલેક્શન 47,412 કરોડ રૂપિયા, IGST કુલ 89,158 કરોડ રૂપિયા અને સેસ સ્વરૂપમાં 12,025 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
એપ્રિલ માં રેકોર્ડ GST કલેક્શન
જીએસટીના મોરચે મોદી સરકાર માટે નાણાકિય વર્ષ 2023-24ની શરૂઆત શાનદાર રહેશે. મહિના દર મહિનાની તુલના કરીએ તો માર્ચ-2023માં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રહ્યું હતું. નાણાકિય વર્ષ 2022-23માં સતત ચોથા મહિને માર્ચમાં કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. પરંતું જીએટીનો અમલ થયા બાદથી અત્યાર સુધી એપ્રિલ-2023માં સૌથી વધુ કલેક્શન થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે.
ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું
નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતાં વધુ હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ હતું. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તદનુસાર, 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.