હાલ વિધાનસભામાં ચોમસુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર
દ્વારા અનેક વિધેયક રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમા માલ અને સેવા વેરા વિધેયક પસાર
કરાયું હતું. જેમાં અનેક ચીજ-વસ્તુઓ પર જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ અનકે
વખત તેના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને કારણે મોંઘવારીનું ભારણ વધતું રહે
છે.
નાણા મંત્રીએ રજૂ કર્યો વિધેયક
નાણા મંત્રી કનુ દેસાઈએ સંસદમાં બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની માલ અને સેવા વેરા કાઉન્સિલે કાયદામાં સુધારાની આવશ્યકતા દર્શાવતા નિર્ણયો લીધા છે. વિવિધ જોગવાઈ લાગુ કરવામાં એકરૂપતા જળવાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં આ બિલ પસાર કરાયું છે.
કઈ વસ્તુ પર વધ્યો જીએસટી
જીવન જરૂરિયાતોની વસ્તુઓ પર પહેલેથી જ જીએસટી લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં ફરી એકવખત ફેરફાર કરવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર 5 ટકાથી 18 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. 12 ટકા જીએસટી વાળી વસ્તુઓ જેમકે પ્રિન્ટિંગ, લગ્ન કંકોત્રી, બ્લેડ, પેન, પેન્સિલ. એગ્રીકલ્ચર પ્રોડક્ટના પાર્ટ સહિતની અનેક વસ્તુ પર જીએસટી દર વધારાઈ દેવાયું છે.
આ તમામ વસ્તુ પર 12 ટકાને બદલે 18 ટકા જીએસટી લાગુ કરવામાં
આવશે. ઉપરાંત લોખંડ, કોપર, એલઈડી લાઈટ, સોલર વોટર પંપ સહિતની વસ્તુઓ પર જીએસટી
વધારી દેવામાં આવ્યો છે. 5 ટકા જીએસટી વસુલાતો હતો જે હવે 12 ટકા સુધી વધારાઈ
દેવામાં આવ્યો છે.
કોંગ્રેસે વિધેયક પર શું આપી પ્રતિક્રિયા
વિધેયક પસાર થતાં જ વિધાનસભા ગૃહમાં વિપક્ષે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષે ચર્ચમાં ભાગ લેતા જણાવ્યું કે મંદીના માહોલ વચ્ચે સામાન્ય માણસની ખરીદ શક્તિ ઘટી છે, જીએસટીના કાયદા વારંવાર સુધારાના કારણે લાખો વેપારીઓ ઉપર કરનું ભારણ આવવાનું છે. વધુમાં તેમણે કહ્યું કે દૂધ, લસ્સી, વિવિધ લોટ પર વેરાના દરમાં વારંવાર વધારો થયો છે.
સામાન્ય લોકોની વધશે મુશ્કેલી
એક તરફ મોંઘવારી સતત વધી રહી છે જેને કારણે સામાન્ય માણસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત જીએસટીના દરમાં ફેરફાર થતા સામાન્ય માણસના બજેટ પર ભારણ પડી શકે તેમજ મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ પર આની ભારે અસર પડી શકે છે.