પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE
દેશ અને રાજ્યમાં મોંઘવારીના કારણે સામાન્ય લોકોની સ્થિતી દયનિય બની છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલ,અનાજ, કઠોળ, ખાંડ, ગોળ, દુધ, દહીં,સીંગતેલ અને કપાસિયા તેલનો ભાવ વધારો લોકોને અકળાવી રહ્યો રહ્યો છે. અમદાવાદના તેલીબીયા બજારમાં સીંગતેલના ભાવ વધીને 3000 રૂપિયા જોવા મળ્યો. જ્યારે રાજકોટમાં 15 કિલોના ડબ્બા પર 40 રૂપિયા ભાવ વધી 2940 રૂપિયાએ પંહોચ્યો છે.
મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત પાંચ-સાત વર્ષોમાં 50 ટકા વધી ગયું છે. મગફળી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે અને ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી ઉત્પાદન સૌથી વધુ થયું હોવા છતાં ગુજરાતીઓને રોજિંદા વપરાશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સીંગતેલ વ્યાજબી ભાવે મળતું નથી.રાજ્યમાં પહેલાના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયમાં મગફળીનું વાવેતર વધતા મગફળી પાકમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મળતી જાણકારી અનુસાર 2009-10માં મગફળીનું 17.57 લાખ ટન ઉત્પાદન થયું હતું. જ્યારે આ ઉત્પાદન વધીને 2019-20માં 46.45 લાખ જેટલું મગફળીનું ઉત્પાદન થયું હતું.
શા માટે સિંગતેલ મોંઘુદાટ?
ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં લોકોને તેનો બિલકુલ લાભ મળી રહ્યો નથી. નફાખોરો, સંગ્રહખોરો, કાળા બજાર અને તેલના વેપારીઓની સત્તાધીશો સાથેની સાંઠગાંઠના કારણે સિંગતેલની મોંઘીદાટ કિંમત ચૂકવવી પડી રહી છે. પાંચ વર્ષ પહેલા સીંગતલનો કિલોના ભાવ 75 થી 90 રૂપિયા હતો જે હવે 200 રૂપિયા થઈ ગયો છે. પાક નિષ્ફળ જવો, ઉત્પાદન ઘટવું જેવા ભાવ વધારાના કુદરતી પરિબળો ના હોવા છતાં બજારમાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો થતાં સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે.