દેશ અને રાજ્યમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. લોકો પહેલેથી જ કમરતોડ મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે ત્યારે સિંગતેલના ભાવમાં ભડકો થતાં ફરી એક વખત દાઝ્યા છે. આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બાએ 20 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 5 દિવસમાં ડબ્બાએ 200 રૂપિયાનો વધારો થતાં જ ભાવ રૂ. 3170ને પાર પહોંચ્યો છે. હાલ બજારમાં મગફળીની અછત છે, જેના કારણે પીલાણમાં આવતી ન હોવાથી 90 ટકા મિલો બંધ છે. સિંગતેલનો ડબ્બો દિવાળી સુધીમાં 3300 રૂપિયા સુધી પહોંચી જાય તેવી આશંકા છે. વેપારીઓના મતે મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે.
ખાદ્યતેલના ભાવમાં 30 ટકાનો વધારો
સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. તહેવારોની પૂર્વે ખાદ્યતેલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર જ્યારે કપાસિયા તેલમાં એક મહિનામાં 100 રૂપિયાનો અને સોયાબીન તેલમાં પણ એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. હાલ કપાસિયા અને સોયાબીન તેલના ડબ્બાનો ભાવ રૂ.1700ને પાર બોલાઈ રહ્યો છે. તેલના ભાવમાં એવરેજ 30 ટકાનો વધારો નોંધાયો છે. તહેવાર ટાણે જ તેલના ભાવ ઊંચકાતા લોકોની હાલત કફોડી બની છે.