આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે, ત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે. અનાજ, શાકભાજી, બાદ ખાદ્યતેલમાં પણ ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવથી સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. આજે સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે.
કેટલો વધ્યો ડબ્બાનો ભાવ?
વર્ષ 2023ની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધતો જોવા મળી રહ્યો છે. પહેલાથી જ લોકો માટે રસોઈ માટે તેલનો ઉપયોગ મોંઘો બન્યો છે. ત્યારે ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. આજે સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 થી વધી 2820 થયો છે. જ્યારે કપાસિયા ડબ્બાનો ભાવ 1675 થી વધીને 1695 થયો છે. તો પામોલિન તેલનો ભાવ 1420 થી 1440 થયો છે.
કૃત્રિમ ભાવ વધારો છે?
ખાદ્યતેલના ભાવ વધારો પ્રથમ દ્રષ્ટીએ જ કૃત્રિમ હોય તેવું જણાય છે. કારણ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે.