રાજ્યના ખેડુતો માટે સારા સમાચાર આવ્યા છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી. તેમણે ટેકાના ભાવને લઈ કહ્યું હતું કે, સરકાર ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે.
10 માર્ચથી શરૂ થશે ખરીદી
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, આગામી 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સરકાર ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે, આ માટે આગામી 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન થશે.
VCEનો ખર્ચ સરકાર ભોગવશે
સમગ્ર રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.