સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા નિયમો અનુસાર હવેથી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. આ પહેલા 12 પાસ પર તલાટીની પરીક્ષા લેવાતી હતી. હવેથી આ પરીક્ષા ગ્રેજ્યુએશનના આધારે લેવાશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો અત્યાર સુધી 12 પાસ લોકોઆની પરીક્ષા આપી શક્તા હતા. આની પરીક્ષા GPSSB લે છે અને જે લોકોએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એ જ હવે તલાટી બની શકશે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
શું છે તલાટી કમ મંત્રીની જવાબદારી?
જો તલાટીની કામગીરીની વાત કરીએ તો ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની હોય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. નિયમમાં કરાયેલા ફેરફાર પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. આને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે.