વિનાશકારી બિપોરજોય વાવાઝોડું આખરે સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે. આ ભયાનક વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુસવાટા મારતો પવન અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવે આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મહત્વનો નિર્ણય લેતા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) પરીક્ષા માકુફ રાખી છે. GPSCએ ટ્વિટ મારફતે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે આ પૂર્વે ગુજરાતમાં TAT (s)ની પરીક્ષા પણ મુલત્વી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
GPSCએ પરીક્ષા મોકૂફ રાખી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19,21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરતું વાવાઝોડાને લઈને તા. 19 ના રોજ લેવાનારી પરીક્ષા (પેપર-1 અને 2) મોકૂફ રાખવામાં આવી છે.જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3,4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.