ગુજરાતમાં સરકાર જાણે ભક્તોના ધીરજની કસોટી લઈ રહી હોય તેવા એક બાદ એક નિર્ણયો સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળ પ્રસાદનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ગુજરાતના બીજા સુપ્રસિદ્ધ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો નિયમ 20 માર્ચથી લાગુ કરવામાં આવશે.
પાવાગઢ મંદિરમાં નહીં વધેરાય શ્રીફળ
ગુજરાતના પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિરમાં હવે નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે અને આ શ્રીફળ ભક્ત પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. ઉપરાંત પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે. પાવાગઢ મંદિરના આ નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્વચ્છતા રહે તે માટે ટ્રસ્ટે લીધો નિર્ણય!
ભક્તોની લાગણીને ઠેસ પહોંચે તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પહેલા શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે હવે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ બતાવી આ નિર્ણય ટ્ર્સ્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. જો કોઈ વેપારી છોલેલુ શ્રીફળ વહેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.