ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું એક કારણ શિક્ષણ વિભાગની બેદરકારી પણ છે. રાજ્ય સરકારનો આ મહત્વનો વિભાગ શિક્ષણ ક્ષેત્રે સુધારા થાય કે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે કોઈ નક્કર પ્રયાસો જ કરતો નથી. શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ છબરડા બહાર આવતા રહે છે. જેમ કે આજે કચ્છની એક સરકારી શાળાના ધોરણ ત્રણની પરીક્ષામાં મોટી ભૂલ સામે આવી છે.
પર્યાવરણના પેપરમાં ગોટાળો
ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં મોટી ભૂલ સામે આવી છે. આજે કચ્છની સરકારી પ્રાથમિક શાળા અંતર્ગત અભ્યાસ કરતા 27 હજાર બાળકોને પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકુદનો પ્રશ્ન પુછાયો હતો. 4 માર્કસના પ્રશ્ન નંબર-6માં ચારમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી ચાર સવાલના જવાબ સાચા કે ખોટા ચિન્હ કરી આપવાના હતા. બીજા ક્રમના પ્રશ્નમાં સવાલ હતો કે, સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે વિદ્યાર્થીઓને મળ્યા 4 ઓપ્શન- હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ. હવે આમાં ખરો વિકલ્પ ક્રિકેટ અપાયો જ નહોતો, આ કારણે વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. આમ પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગ દ્વારા ચૂક રહી ગયાનું સામે આવ્યું હતું. ભૂલ સુધરે તે પહેલાં તો પર્યાવરણનું પેપર પણ પૂર્ણ થઇ ગયું હતું.