ગુજરાતના સરકારી અને બિન સરકારી કર્મચારી માટે ચૂંટણી પહેલાનો સમય એટલે 'માગણીઓ સંતોષવાની મૌસમ'. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનો સમય પણ અપવાદ નથી. ટૂંક સમયમાં જ વધુ એક માગણીનો સામનો ગુજરાત સરકારને કરવાનો રહેશે. જમાવટ પર જાણો કોણ હવે આંદોલન પર ઉતરવા જઈ રહ્યું છે?
કયા વિભાગના લોકો હવે સરકારનું નાક દબાવવા નીકળ્યા?
થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે પંચાયત હસ્તકના કર્મચારીની માગણી સંતોષવા એક મહિનાનો સમય માગ્યો છે. ત્યારે વર્ગ 1-2ના અધિકારીઓ પણ હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. ગુજરાત સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ પગાર ભથ્થા અને OPS જેવી માગ સાથે સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યા છે.
1960માં ગુજરાત બન્યા બાદની કોઈ પણ ઘટના ઉઠાવીને જોઈ લો, ચૂંટણીના સમય પહેલા સરકારે નારાજ મતદારોની માગ સંતોષવા માટે મથામણ કરી હશે. થોડા સમય બાદ ચૂંટણી આવી રહી છે. સરકાર આંદોલનના દલદલમાં ફસાતી જઈ રહી છે તેવું લાગી રહ્યું છે. આ દલદલમાંથી જેમ સરકાર નીકળવાનો પ્રયાસ કરે તેમ અંદર ઘૂસતી જઈ રહી છે. મતદારોને રીજવવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણીનો સમય નજીક આવતાની સાથે જ ગુજરાતના દરેક કર્મચારીઓ વારાફરતી આંદોલનના રસ્તા પર ખુલ્લી દોટ મૂકી રહ્યા છે.
ગુજરાત સરકારે તમામની માગણી સ્વીકારવા માટે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે. મંત્રીઓની સમિતિ પોતાની રીતે મહેનતથી માગણીઓ સંતોષતી દેખાઈ રહી છે. કારણ કે સરકાર પોતાના મતદારોને નિરાશ કરશે તો તેનું પરિણામ ચૂંટણીમાં તેમને ભોગવવું પડશે. જે ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલીભાંતી જાણે છે.