ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક આંદોલનો અને હડતાળનો સામનો ગુજરાત સરકારને કરવો પડી રહ્યો છે. પોલીસ કર્મીનો મુદ્દો થોડો શાંત થયો ત્યારે શિક્ષકોએ પોતાની માગને લઈ સરકાર સામે બાયો ચડાવી છે. શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સરકારને પોતાની રજૂઆત કરવાના છે. જો રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવે તો 17 સપ્ટેમ્બરે શિક્ષકો સીએલ પર ઉતરી આગળ આંદોલન ચલાવવાના છે.
પડતર માગને લઈ શિક્ષકો મેદાનમાં
ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈ એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. સરકારે માંડ માંડ પોલીસ ગ્રેડ પે મુદ્દાને શાંત પાડ્યો ત્યારે શિક્ષકો પોતાની માગણીઓને લઈ સરકારને રજૂઆત કરી રહ્યા છે. પડતર માગણી જો નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સૌથી પ્રમુખ માગણી છે કે ફરીથી જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે. જૂની પેન્શન યોજના ફરીથી લાગૂ કરવા માટે અનેક જિલ્લાઓમાં શિક્ષકો આવેદન પત્ર આપી રજૂઆત કરી. મહત્વનું છે કે બિન - ભાજપ શાસિત રાજ્યોમાં જૂની પેંશન યોજના લાગૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આ યોજના લાગૂ કરવામાં આવે તેવી માગ શિક્ષકો કરી રહ્યા છે.
આવેદન પત્ર આપી શિક્ષકોએ પોતાની માગ રજૂ કરી. જો આવેદન પત્ર બાદ પણ માગ નહીં સંતોષાય તો 17 સપ્ટેમ્બરના રોજ એક દિવસની સીએલ પર ઉતરશે. જો તો પણ સમાધાન નહીં થાય તો 22 સપ્ટેમ્બરના રોજ કાળી પટ્ટી ધરણા કરી તમામ વિરોધ કરશે. 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરશે.
વિવિધ આંદોલનોથી સરકારની વધી ચિંતા
આરોગ્ય કર્મી, પોલીસ કર્મી બાદ શિક્ષકો પણ સરકાર સામે અવાજ ઉપાડી રહ્યા છે. જો સરકાર તેમની પડતાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયે આંદોલન કરવામાં આવશે. ચૂંટણી નજીક આવતા પોતાની માગને લઈ સરકારને ઘેરવા અનેક આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે અનેક આંદોલનની સીટો પર શું અસર થાય છે તે સમય બતાવશે.