દેશમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો લોકોને રિઝવવામાં લાગી ગયા છે. જો કે ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી શાસનમાં રહેલી ભાજપની સરકાર સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જૂની પેન્શન યોજનાની માગને લઈ રાજ્યભરમાં કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ધરણા પ્રદશન કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર સમક્ષ વિવિધ માંગોને લઈ અલગ અલગ જીલ્લાના કર્મચારીઓ વિરોધ પ્રદર્શનો કરી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. જો કે હવે તેમણે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોની બેઠક
ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો હવે કર્મચારીના પ્રશ્ને મેદાનમાં આવ્યો છે. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સહિત તમામ મોરચાના હોદ્દેદારોની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં પહેલી એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે સોમવારે પત્ર લખાશે. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે અને 16 મી ફેબ્રુઆરીએ તમામ મંડળના સભ્યો કાળા કપડાં પહેરી ફરજ ઉપર હાજર થશે. મોરચો નવી પેન્શન સ્કીમ અને પડતર પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને 23મી ગાંધીનગરમાં આંદોલનનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.