સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ થોડા દિવસ પહેલા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.જો મુદ્દાઓનું નિરાકરણ નહીં થાય તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેને કારણે અનેક સરકારી કામગીરી ખોરવાઈ જશે,
સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે કર્મચારીઓએ કર્યો વિરોધ!
છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અનેક રીતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.
આ તારીખ સુધીનું કર્મચારીઓએ આપ્યું સરકારને અલ્ટીમેટમ!
વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓનો અવાજ સરકાર સુધી ના પહોંચ્યો હતો. તે બાદ 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાંનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ત્યાં હાજર હતા. સરકાર તેમની માગને સ્વીકારે તેવી તેમની માગ છે. જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યું છે. અને જો સરકાર પ્રશ્નનો હલ નહીં લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જો કર્મચારીઓ કામથી અળગા રહેશે તો સરકારી કામ પર અસર પડશે.