મુદ્દાઓ કરતા આગેવાનો મોટા નથી. એવો આડકતરો સંદેશ કર્મચારીઓએ આપ્યો, એકબાજુ આગેવાનોએ મંત્રીઓ સાથે બેસીને પત્રકાર પરિષદ કરી, કર્મચારીઓએ બહાર ગીતો ગાયા.
'આજ દિવાળી, કાલ દિવાળી...ભાજપ તારી છેલ્લી દિવાળી'
આ ગીતો ગાતા લોકો સરકારી કર્મચારીઓ છે જે છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન સ્કીમ ગુજરાતમાં લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, પણ માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં ગાંધીનગર ઘેરવામાં તો અનેક લોકો સામેલ છે.
આંદોલનોનું પાટનગર એટલે ગાંધીનગર
ગાંધીનગર હવે રાજ્યના પાટનગર સાથે આંદોલનનું કેન્દ્રબિંદુ છે, ચારેય બાજુથી અસંતુષ્ટોની ભીડ છે, દરરોજ સચિવાલય અને વિધાનસભા ઘેરાવની ધમકીઓ મળે છે, રેપીડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ છે, ક્યારેક આરોગ્ય કર્મચારીઓ, ક્યારેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, ક્યારેક બેરોજગારો, છેલ્લા 22 દિવસથી ખેડૂતો, રિટાયર્ડ આર્મીના જવાનો બધા જ સરકારની સામે મીટ માંડીને બેઠા છે કે એમના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે
કરગરે ત્યારે જ આપવું એ સરકારની આદત છે
સરકારોને આ આદત હોય છે કે જ્યાં સુધી મોટા આંદોલનો ના થાય, પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી ઉફ્ફ પણ નથી કરતા, આ વખતે પણ સરકારનું એવું જ વર્તન છે, પણ આ વખતે ઘેરો ચારેયબાજુથી છે.