જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીએ 15 દિવસમાં નિર્ણય લેવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકાર આ અંગે નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરશે.
ભાજપ સરકારને સત્તાનો ઘમંડ-ગોપાલ ઈટાલીયા
પ્રેસ કોન્ફરન્સ યોજી ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પરંતુ ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભ્રષ્ટ ભાજપ સત્તાના ઘમંડમાં સરકારી કર્મચારીઓનો અવાજ સાંભળી રહી નથી. તમામ કર્મચારીઓએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે અને આ લોકસેવાના બદલામાં જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે.
આપે સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ
વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે.