ગઈકાલે રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું. સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી હતી કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે લોકસભા ચૂંટણી માટે. સમાચાર તો ત્યાં સુધી આવ્યા કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. હજી સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યાં તો ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે એવી માહિતી સામે આવી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડી રહી છે તે છે ભરૂચ અને ભાવનગર. આ બે બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ગઠબંધનની જાહેરાત થાય તે પહેલા જ જોવા મળી રહ્યા છે ડખા
ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે જ્યારે ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. ગઠબંધનને લઈ હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તે પહેલા જ ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલે આ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપી છે. તે સિવાય મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.
મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા
મનસુખ વસાવાએ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અગાઉથીજ નક્કી હતું. બે પક્ષના એકસાથે ચૂંટણી લડવાથી કે સંમતિથી ઉમેદવારની જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફર્ક પડશે નહીં. ભરૂચ બેઠક વધુ એક વાર ભાજપાજ જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઈટાલિયા દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલિયાએ ચૈતર વસાવાને લઈ વાત કરી છે.