ભાજપના નેતા સામે અમુક શબ્દોનો ઉપયોગ કરતા ગોપાલ ઈટાલિયા સામે સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના જ નેતા પ્રતાપભાઈ જીરાવાલાએ ગોપાલ ઈટાલિયા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પહેલાના નિવેદનોમાં ગોપાલ ઈટાલિયા વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા સામે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરતા તેમના સામે ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે સમગ્ર મામલે શું કહ્યું?
ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે.
ફરિયાદ થતાં ગોપાલ ઈટાલિયાએ શું નિવેદન આપ્યું?
ત્યારે ગોપાલ ઈટાલિયાએ સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારે કેમ કોઈના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીના નેતા ગેરકાયદેસર રીતે દારૂના ધંધા કરી રહ્યા છે. તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે ભાજપના નેતાની સંડોવણી સામે આવી હતી. ભાજપના લોકોને કંઈ કામ નથી એટલે તેવા લોકોને પકડવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાને પકડવાની તૈયારી કરી રહ્યા છે. હું નશો નથી વેચતો, જે વેચે છે તે તેમને પકડો.
જાહેર છે કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને રીજવવા માટે જમીન પર ઉતરી ગયા છે. ચૂંટણી પહેલાની નિવેદનબાજીએ જોર પકડ્યું છે અને નેતાઓ બેફામ થયા છે. આગામી સમયમાં નિવેદનબાજી હજુ તીખી થશે ત્યારે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.