વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને જીતવા ઉમેદવારોને પાર્ટી મેદાનમાં ઉતારતા હોય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે આપના ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી કયા બેઠક પરથી ચૂંટણી લડશે તેની પર બધાની નજર છે.
આ બેઠક પરથી લડશે ઈસુદાન અને ઈટાલિયા ચૂંટણી
આપમાં બે નેતાઓ છે જે મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે. એક છે ગોપાલ ઈટાલિયા અને બીજા છે ઈસુદાન ગઢવી. આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે પરંતુ આ બંને નેતા કઈ બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે હજી સામે નથી આવ્યું. મળતી માહિતી મુજબ વિવિધ બેઠકોને પસંદ કરવામાં આવી છે જ્યાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. ઈસુદાન ગઢવી રાજકોટ, જામખંભાળીયા કે દ્વારકાથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે જ્યારે ઈટાલિયા બોટાદ અથવા ધારી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બાબતે લઈ આપમાં મનોમંથન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે પ્રચાર
આપ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. અનેક વખત તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 16 અને 17 ઓક્ટોબરના રોજ તેઓ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈ અનેક વખત વિવાદ છેડાયો છે. તેમની સાથે સાથે ગોપાલ ઈટાલિયા પણ ચર્ચાનો વિષય બન્યા છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.
ગુજરાતમાં AAPની સરકાર બનશે - ગોપાલ ઈટાલિયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓના અનેક જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આપના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા પર આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. જેને લઈ તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. પરંતુ આટલું બધું થયા પછી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનશે તેવી વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે હવે મતદારો કોની રાજપોષી કરશે તે તો આવનારો સમય જ બતાવશે.