રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ લેટેસ્ટ આગાહી બદલાઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી પાંચ-છ દિવસ રાજ્યનું તાપમાન ડ્રાય રહેશે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ખુશ થઈ ગયા છે. મહત્વનું છે કે પોલીસ 12 વાગ્યા બાદ ગરબા બંધ નહીં કરાવે.
આગામી દિવસોમાં ડ્રાય રહેશે વાતાવરણ
એક સમયે આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રીમાં વરસાદ થશે પરંતુ હવે આગાહીમાં બદલાવ થયો છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ. મહત્તમ તેમજ લઘુતમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેશે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે જેની પર હવામાન વિભાગ નજર રાખશે કારણ કે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર, ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે.


અંબાલાલ કાકાએ ચક્રવાતને લઈ કરી આગાહી
ગુજરાતને વધુ એક ચક્રવાત માટે આગામી દિવસોમાં તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જમાવટની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આવનારૂં વાવાઝોડું બિપોરજોય જેવું ખતરનાક સાબિત થઈ શકે છે. 17થી 19 ઓક્ટોબર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા,રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. મહત્વનું છે આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.