ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બે-ત્રણ દિવસથી પવન નથી જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી રાજ્યના અનેક ભાગો માટે. આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યાં. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, પવન ફૂંકાશે જેને કારણે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને વાંધો નહીં આવે. વરસાદ ઉત્તરાયણની મજા નહીં બગાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તરાયણ દરમિયાન વાતાવરણ રહેશે સાનુકુળ
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે જોઈએ તેટલો પવન નથી હોતો. પતંગ ચગાવવામાં મજા આવે તેટલો પવન પણન હોવાને કારણે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતા હોય છે. એવું પણ અનુભવાયું છે કે ઉત્તરાયણના પહેલા સારો પવન હોય છે, ઉત્તરાયણ બાદ સારો પવન હોય છે પરંતુ ઉત્તરાયણ દરમિયાન સારો પવન નથી હોતો, એવો પવન નથી હોતો જે પતંગ ચગાવવા માટે જોઈ તો હોય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
ઠંડીને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદ આવવાની સંભાવના નહીંવત જેવી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડો પવન વહેશે. આગામી દિવસોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવાયું છે કે, 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે. જેના કારણે પવન અને વાતાવરણ સાનુકુળ રહેશે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો દર વખતની જેમ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 06.4 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, દમણનું તાપમાન 21.0 ડિગ્રી, વડોદરાનું તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 12.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.4, રાજકોટનું તાપમાન 13.0, વેરાવળનું તાપમાન 21.1 નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આવી જ આગાહી કરવામાં આવી છે.