લગ્નની સિઝન પહેલા સારા સમાચાર આવ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આ જ કારણે સોના પર રોકાણકારોની ધારણા પર અસર પડી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર દરમિયાન હાજર સોનું ઘટીને 1806.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. ડિસેમ્બરના છેલ્લા દિવસો પછી આ તેનું આ સૌથી નીચું સ્તર છે. એપ્રિલ 2022 પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમાં સાત ટકાથી વધુનો ઘટાડો થયો છે.
શા માટે ભાવ ઘટ્યો?
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 185 ઘટીને રૂ. 55,520 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 55,705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.798 ઘટીને રૂ.63,227 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. નિષ્ણતોના જણાવ્યા પ્રમાણે મોંઘવારીના મારથી ત્રસ્ત લોકો સોનું ખરીદવા માટે નિરસ બન્યા છે, સોનાની માગ ઘટતા સ્વાભાવિકપણે જ તેનો ભાવ નીચો આવ્યો છે.