ગોધરાકાંડ માટે દોષિત ઠરેલા 15 પથ્થરબાજોને જેલ મુક્ત કરવાનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં 59 લોકોના મોત થયા હતા. આ નિર્દોષ લોકો ટ્રેનની બોગીઓમાંથી બહાર નિકળવા માંગતા હતા પણ તેઓ પથ્થરમારાના કારણે બહાર નિકળી શક્યા ન હતા.
સમગ્ર મામલો શું હતો
પથ્થરબાજો વતી સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડમાં 15 દોષિતોને મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી. જેનો ગુજરાત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સરકારે આ માત્ર પથ્થરમારો કરવાનો મામલો નથી પણ પથ્થરમારાના કારણે 59 પીડિત સળગતી બોગીમાંથી બહાર નીકળી શક્યા ન હતા.તેમણે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધમાં કહ્યું કે પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે.
ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓએ જેલમાં લાંબો સમય વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડવામાં આવી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષિતની ભૂમિકાની તપાસ કરશે કે શું આમાંથી કેટલાક લોકોને ખરેખર જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ અંગે 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.