દ્વારકા પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતથી માત્ર થોડા કિલોમીટર દૂર જ વાવાઝોડું છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક મંદિરોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આફત ટળે તે માટે દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. વાવાઝોડા સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આ પૂજા કરવામાં આવી રહી છે
દ્વારકા મંદિરમાં કરાઈ વિશેષ પૂજા!
સંકટ સમયે ભગવાન સૌથી પહેલા યાદ આવતા હોય છે. સુખ સમયે આપણે ભગવાનને યાદ નથી કરતા પરંતુ જ્યારે આપણી પર વિપત્તિ આવતી હોય છે ત્યારે ભગવાનને આપણે યાદ કરતા હોઈએ છીએ. ત્યારે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ ફરી રહ્યું છે. રાતના સમયે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર પડવાની છે. જેને કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાત પર આવેલું સંકટ ટળી જાય તે માટે પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. દ્વારકા મંદિરમાં વિશેષ પૂજા પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
સુરક્ષાને ધ્યાનમાં રાખી નહીં ચઢાવવામાં આવે ધજા!
મહત્વનું છે કે વાવાઝોડાને પગલે 17 જૂન સુધી દ્વારકા મંદિર પર ધજા નહીં ફરકાવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તે સિવાય ભારે પવન ફૂંકાવવાને કારણે મંદિરની ધજા પણ ફાટી ગઈ હતી જેને લઈ ભક્તો કહેતા હતા કે ભગવાને આફત પોતાના પર લઈ લીધી છે. મહત્વનું છે કે અનેક નેતાઓ પણ ભગવાનના શરણે જતા દેખાઈ રહ્યા છે. મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તે સિવાય હર્ષ સંઘવીએ પણ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી.