દેશની અગ્રણી એરલાઈન ગો ફર્સ્ટે નાદારી જાહેર કરતા તેના લગભગ 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે. આ દરમિયાન ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની મેનેજમેન્ટ સંવેદનશીલ છે.
નાદારીની અરજી પર 4 મેએ સુનાવણી
જો કે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (NCLT) ગો ફર્સ્ટની નાદારીને લગતી અરજી પર 4 મેના રોજ સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગો ફર્સ્ટે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ સાથે એરલાઈને 3થી 5 મે સુધી પોતાની ઉડાનો પણ રદ્દ કરી દીધી છે.
કંપનીના CEOએ કર્મચારીઓને શું કહ્યું?
ગો ફર્સ્ટ એરલાઈનના CEO કૌશિક ખોનાએ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું છે કે કંપની આ સ્થિતીએ પહોંચી તેનું મુખ્ય કારણ પ્રેટ એન્ડ વ્હિટનીનું (P&W) એન્જિન છે. આ એન્જિન વારંવાર ખરાબ થવાના કારણે એરલાઈનને ઓપરેશન ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. તેમણે વિમાનો લીઝ પર આપતી કંપનીઓની કડક વલણ અંગે પણ કર્મચારીઓને જણાવતા તેમણે કહ્યું કે આ કંપનીઓ વિમાનો લીઝ પર આપવાનું બંધ કરવાની વારંવાર ધમકી આપી રહી છે. કંપની પાસે વિમાનોની સંખ્યા સતત ઘટી રહી છે. આ સ્થિતીમાં કંપની લિઝની રકમની ચૂંકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જો કે તેમણે કર્મચારીઓને હૈયાધારણા આપતા કહ્યું કે અમે તમામ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને ખુબ જ સાવધાની અને ચિંતા સાથે પરિસ્થિતીને સંભાળવાના પ્રયાસો કરી રહ્યા છિએ.