દેશમાં હજુ ફેબ્રુઆરી મહિનો પૂરો થયો નથી ત્યાં તોઉનાળાની ગરમી વધવા લાગી છે. ઘણા શહેરોમાં તાપમાન 26 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દરમિયાન, જળવાયુ પરિવર્તન સંબંધિત બે રિપોર્ટ ચર્ચામાં છે. તેમાં ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટના મતે આગામી 27 વર્ષમાં માલદીવ જેવા દેશ વિશ્વના નકશા પર નહીં દેખાય. જ્યારે, ભારતમાં ચેન્નાઈ અને મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરો પણ દરિયામાં ડૂબી જવાનું જોખમ છે.
ગ્લોબલ વોર્મિગ માટે માણસ જવાબદાર
XDIએ વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં માનવીય પ્રવૃત્તિઓ અને ઘરોથી માંડીને ઈમારતો સુધીના વાતાવરણમાં બદલાવ અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે માનવ સર્જિત પર્યાવરણને થતા નુકસાનની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આના આધારે રેન્કિંગ કરવામાં આવ્યું હતું. અહીં પૂર, જંગલમાં આગ, લૂ, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના તરફ ઈશારો કરવામાં આવ્યો છે.
મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા જેવાં શહેરો પર ડૂબવાનું જોખમ!
સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા પ્રકાશિત તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દરિયાઈ સપાટીમાં સતત વધારો ભારત અને ચીન તેમજ બાંગ્લાદેશ, નેધરલેન્ડ, માલદીવ અને અન્ય દેશો માટે મોટો ખતરો છે. રિપોર્ટ અનુસાર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દેશના અન્ય દરિયાકાંઠાના શહેરોમાં ભારે અસર જોવા મળી રહી છે. WMO રિપોર્ટ જણાવે છે કે 2013 અને 2022 વચ્ચે દર વર્ષે દરિયાની સપાટી સરેરાશ 4.5 મિલીમીટર વધી છે. આ વધારો1901 અને 1971 વચ્ચેના સમયગાળાની તુલનામાં ત્રણ ગણાથી વધુ વધારો છે. 4.5 મીમીનો વધારો અત્યાર સુધીનો સૌથી વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ, શાંઘાઈ, ઢાકા, બેંગકોક, જકાર્તા, લાગોસ, કૈરો, લંડન, ન્યૂયોર્ક, લોસ એન્જલસ જેવા શહેરો દરિયાની સપાટી વધવાથી સૌથી વધુ જોખમમાં છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે દરિયાની સપાટીમાં વધારો સૂચવે છે કે માલદીવ જેવા નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારો 2050 સુધીમાં ડૂબી શકે છે.