રાજ્યમાં નાની-નાની વાતે આત્મહત્યાની ચોંકાવનારી ઘટનાઓ સતત વધી રહી છે, તેમાં પણ બાળકો અને વિદ્યાર્થીઓ પણ હવે આત્મહત્યાને માર્ગે વળ્યા છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે. માતા-પિતાની હિતકારી વાતોનું પણ માઠું લગાડીને બાળકો- વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. જેમ કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક ગામમાં યુવતીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે.
શા માટે અંતિમ પગલું ભર્યું
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય નેહલ દોમડીયા નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતી નેહલબેન અતુલભાઈ દોમડીયા છેલ્લા એક માસથી પેટના દુ:ખાવાથી પીડિત હતી. નેહલ દોમડીયાની સારવાર પણ ચાલુ હતી ગત રાત્રે ફરીવાર તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં પરીવારજનોને જાણ કરી હતી. જે અંગે તેના પિતાએ સવાર સુધી રાહ જોવાનું કહેતા તેને માઠુ લાગી આવ્યું હતું. બાદમાં તેણે રૂમમાં જઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક તેને સારવાર માટે પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે સિવિલમાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
નેહલ દોમડીયાના નિધનના અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પરીવારજનોનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે મૃતક યુવતીના પિતા ખેતીકામ કરે છે અને મૃતક યુવતી તમામ ભાઈ-બહેનમાં નાની હતી. આ ઘટના બાદ પરીવાર અને સમગ્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.