ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ માટે તનતોડ મહેનત કરતા હોય છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓનું પરીણામ ખરાબ આવતા કે નાપાસ થતા તે નાસીપાસ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે. જેમ કે વડોદરાની એક ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. 17 વર્ષીય જીગ્નીશા પટેલની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ડિપ્રેશનમાં આવી અંતિમ પગલું ભર્યું
વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા પારુલ એપાર્ટમેન્ટમાં રહેતી 17 વર્ષીય જીગ્નીશા પટેલ ધો. 12 સાયન્સમાં નાપાસ થઇ હતી. નાપાસ થવાના કારણે જીગ્નીશા ડિપ્રેશનમાં જતી રહી હતી અને ઘરના પંખે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીના મૃતદેહને જોઇને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે કરી પરિવારજનોની પૂછપરછ
વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. જોકે પરિવારને પણ દીકરીએ આ પગલું કેમ ભર્યું તેની જાણ ન હતી. ગઇકાલે ધો. 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું અને તેમાં જીગ્નીશા નાપાસ થઇ હતી. જેના આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દિકરીના મોતથી પરિવારજનો શોકાતુર
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાપાસ થતાં વડોદરાની એક 17 વર્ષીય વિદ્યાર્થિની જીગ્નીશા પટેલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દીકરીએ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો.