સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાઈત પ્રવૃતિઓ સતત વધી રહી છે. ખુન, બળાત્કાર, ચોરી અને લૂંટફાટની ઘટનાઓના કારણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે સવાલો પણ થઈ રહ્યા છે. હવે સુરતની નજીકના સચિન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે સામે આવલી વિગતો અનુસાર સાહિલ નામના વ્યક્તિએ બાળકી પર ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હતા. સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી બાળકીને ડામ અપાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની શંકા રાખી માસુમ બાળકીને ડામ આપવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
બાળકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ
આ સમગ્ર ઘટના અંગે સુરત ACP આર એલ માવાનીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલી છે. પોલીસને આ મામલે જાણ થતા ફરિયાદ દાખલ કરેલી તેમજ આરોપીઓને પોલીસે ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથધરી છે. શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર ચોરીના આક્ષેપ મૂકી આરોપી દંપતીએ તે બાળકીની પૂછપરછ કરી ત્યારબાદ તેઓ બાળકીને ડામ આપ્યો હતો.