ગીર સોમનાથના વેરાવળમાં ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને સવાલો થઈ રહ્યા છે. ડો. ચગના આપઘાતને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસને તપાસમાં કોઈ જ પ્રગતી થતી જોવા મળતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ડૉક્ટર અતુલકુમાર ચગે લખેલી સ્યૂસાઈડ નોટમાં આત્મહત્યા માટે સીધી જ રીતે ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને જવાબદાર ઠરાવતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના નામાંકિત ડો. ચગે 12 ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.
પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કંટેમ્પ્ટ પિટીશનમાં વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી, DySP ખેંગાર, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જ IGP મયંકસિંહ ચાવડાને પાર્ટી બનાવાયા છે.
કોંગ્રેસે પણ કાર્યવાહીની માગ કરી
ડો. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે.