ગઈકાલથી દરેક જગ્યા પર એક વાતની ચર્ચા થઈ રહી છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે. આ વાતને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. એક તરફ સરકારે દારૂબંધીમાંથી ગાંધીનગરના ગિફ્ટસીટીમાં છુટછાટ આપી છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે થોડા દિવસ પહેલા આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં ઋષિકેશ પટેલ કહી રહ્યા હતા કે ગુજરાતમાં દારૂ પીવાની મંજુરી ન આપી શકાય.
ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય છે. ક્યારે પણ.... - ઋષિકેશ પટેલ
થોડા દિવસો પહેલા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દારૂબંધીને લઈ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ગુજરાત દારૂબંધીવાળું રાજ્ય છે. એટલે ક્યારે પણ એ અંગે કોઈ કરાર કે વેપાર કરવાની મંજૂરી ગુજરાત ન આપી શકે. .. ગુજરાતમાં ઉત્પાદન પણ ન થઈ શકે અને પીવાની પણ મંજૂરી ન આપી શકે. જ્યારે ગઈ કાલે જ સરકારે મોટો નિર્ણય લીધો છે કે ગિફ્ટસિટીમાં વાઇન એંડ ડાઈન શરૂ કરી દેવામાં આવશે! મંત્રીના નિવેદનને થોડા કલાકો જ થયા અને સરકાર દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો.
ગુજરાત ગ્લોબલ સમીટની પ્રવક્તા મંત્રીએ આપી હતી જાણકારી
જ્યારે ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું ત્યારે એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેની પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. ઋષિકેશ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 10મી વાઇબ્રન્ટ ગુજરાતમાં ઐતિહાસિક બની રહેશે. જેમાં 25 જેટલા દેશો વાઇબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે. 16 જેટલી સંસ્થા પાર્ટન ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાશે. 72 દેશોના 75 હજાર ડેલીગેટ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન કરાવ્યું છે.
પ્રેક્ટિકલ થઈ સરકારના નિર્ણય અંગે વિચારવું પડશે!
આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો એ ખબર નથી પરંતુ પ્રેક્ટિકલી એ ફોરેન બિઝનેસ અને ઇન્વેસ્ટર માટે સારી રીતે જોવામાં આવે છે ભાજપ પક્ષ તરીકે આમાં ખોટું પડ્યું છે કારણકે પહેલાથી ભાજપે આનો વિરોધ કર્યો છે જ્યારે શંકરસિંહ વાઘેલાએ દારૂની છૂટ વિષે કહ્યું હતું ત્યારે પણ ભાજપએ ના કહી હતી અને અત્યારે ભાજપની સરકાર માજ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઘટનાને જોતા પ્રશ્ન પૂછવાનું મન થાય કે પ્રવક્તા મંત્રીને અંધારામાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી ગાંધીનગર ગુજરાતમાં નથી આવતું?