કોંગ્રેસના અગ્રણી નેતા ગુલાબ નબી આઝાદે અચાનક જ રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. તે છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. પાર્ટીના વફાદાર અને જમ્મુ-કશ્મીરમાં કોંગ્રેસનો ચહેરો મનાતા ગુલામ નબી આઝાદે રાજીનામુ આપી દેતા ચોક્કસપણે પક્ષને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસની દુર્દશા માટે રાહુલ જવાબદાર
ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં પાર્ટીની હાલની સ્થિતી માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠરાવ્યા છે, દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. 2014ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની હાર માટે પણ તેમણે રાહુલ ગાંધીને જવાબદાર ઠરાવ્યા છે. રાજીનામામાં પોતાની ભડાશ કાઢતા ગુલામ નબીએ વધુમાં લખ્યું છે કે, રાહુલની એન્ટ્રી પછી સીનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. તેમણે બિનઅનુભવી અને ચાંપલુસોની મંડળી જ પાર્ટી ચલાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભામાંથી નિવૃત્ત થયા બાદ આઝાદને ફરીથી ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના G-23 જુથ ના ઘણા નેતાઓને તેમના કદ પ્રમાણે વેતરી નાંખ્યાનો આરોપ પણ સોનિયા-રાહુલ પર લાગતો રહ્યો છે.
G-23 જુથ શું છે?
કોંગ્રેસમાં G-23 અસંતુષ્ટ નેતાઓનું જુથ પાર્ટીના સંગઠનમાં આમુલ પરિવર્તનની માંગ કરી રહ્યું છે. આ જુથમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, સંદીપ દિક્ષિત અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડા સહિતના અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. જો કે પાર્ટીમાં સુધારાની તેમની માંગ ન સંતોષાતા ઘણા નેતાઓ કોંગ્રેસ છોડી ચુક્યા છે.
મોદી પણ થયા હતા ભાવુક
ગુલામ નબી આઝાદની રાજ્ય સભા ટર્મ જ્યારે પુરી થઈ તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદાય ભાષણ આપ્યું હતું. મોદી તે વખતે ખુબ જ ભાવુક થઈ ગયા હતા. મોદીએ તેમના ભાષણમાં આઝાદને એક વિચક્ષણ નેતા ગણાવ્યા હતા. દેશ માટે આઝાદે આપેલા પ્રદાનને યાદ કરી તેમના ભરપેટ વખાણ કર્યા હતા.