થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. રાહુલ ગાંધીના આ સમાચારને ઈન્ટરનેશનલ મીડિયાએ પણ કવર કર્યું હતું. વિદેશના નેતાઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. થોડા સમય પહેલા અમેરિકા તરફથી આ મામલે નિવેદન આવ્યું હતું જ્યારે આજે જર્મની તરફથી આ વિશે નિવેદન આવ્યું છે. પોતાના નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના કિસ્સામાં, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો લાગુ થવા જોઈએ.
માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી હતી સજા
2019માં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણી કરી હતી. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયાના અમુક કલાકો બાદ જ તેમની સંસદની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ અમેરિકાના પ્રવક્તા તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે આજે જર્મનીના વિદેશમંત્રાલય દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
જર્મની વિદેશમંત્રાલય દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી માહિતી મુજબ રાહુલ ગાંધી ચુકાદા સામે અપીલ કરી શકે તેવી સ્થિતિમાં છે. અપીલ બાદ તે સ્પષ્ટ થશે કે નિર્ણય રહેશે કે નહીં અને તેની સંસદની સદસ્યતા રદ કરવા માટે કોઈ કારણ છે કે કેમ. અમે ન્યાયિક સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ.
અમેરિકા તરફથી પણ આવ્યું હતું નિવેદન
રાહુલ ગાંધી મામલે આ પહેલા અમેરિકાએ પ્રતિક્રિયા આપી હતી. અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમે ભારતીય અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં ભારત સરકારની સાથે છે.