વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો અનેક વખત ઉઠી છે. જ્યારે પણ ગેનીબેન ઠાકોર ભાજપના નેતા સાથે કોઈ કાર્યક્રમમાં દેખાય તે વખતે આવી અફવાઓ ઉડતી હોય છે કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગેનીબેન ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગાડીમાંથી એક સાથે ઉતરતા દેખાયા હતા. વીડિયો સામે આવતા અફવાઓ ઉઠવા લાગી કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવા ગેનીબેન ઠાકોર ટ્વિટ કર્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે...
શંકરસિંહ ચૌધરી સાથે દેખાયા હતા ગેનીબેન ઠાકોર!
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈ અનેક વખત અફવાઓ ઉઠી છે કે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તેમનો એક શંકર ચૌધરી સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ ગાડીમાંથી સાથે ઉતરતા દેખાય છે. ત્યારે આ વીડિયોને લઈ અટકળો શરૂ થઈ ગઈ હતી કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાત પર ગેનીબેન ઠાકોરે પૂર્ણવિરામ મૂકી દીધો છે.
દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે - ગેનીબેન ઠાકોર
અટકળો તેમજ અફવાઓ પર વિરામ મૂકતા ટ્વિટર પર ગેનીબેન ઠાકોરે લખ્યું કે સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ શ્રી સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જૂના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે સિવાય પણ એક બીજી ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે... જય હોં કોંગ્રેસ...