કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે. ભાજપની સરકાર પર અનેક વખત તેઓ પ્રહાર કરતા દેખાય છે. કોઈ વખત તેમના નિવેદનને કારણે તો કોઈ વખત તેમની ટ્વિટને કારણે તો કોઈ વખત તેઓ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓને કારણે તેઓ હેડલાઈન્સમાં રહેતા હોય છે. ત્યારે તેમના એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. ટ્વિટ કરી બનાસકાંઠાના એસપીને નિશાનો બનાવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના એસપી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરો તેમજ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. જેને લઈ તેમણે જેલભરો આંદોલન કરવાની જાહેરાત કરી છે.
ગેનીબેન ઠાકોરની ટ્વિટથી ગરમાયું રાજકારણ
સત્તા પક્ષ પર સત્તાનો દુરૂપયોગ થવાના આરોપો અનેક વખત વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. અનેક વખત એવા સમાચારો સામે આવ્યા હોય છે જેમાં વિપક્ષી નેતા ભાજપ પર પ્રહાર કરતા દેખાય છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે મુખ્યત્વે ચર્ચામાં હોય છે. ત્યારે ફરી તેમની એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે.
જેલભરો આંદોલન કરવાની કરી જાહેરાત
ટ્વિટમાં ગેનીબેન ઠાકોરે લખ્યું છે કે આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. મહત્વનું છે કે આ વાતને લઈ ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરવાના છે. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ તેમની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે.