કોંગ્રેસના અગ્રણી નેતા અને વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ રાજકિય વર્તુળોમાં જોર પકડી રહ્યું છે. ભાભરમાં સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નના પ્રસંગમાં ભાજપના નેતા અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નવદંપત્તિને આશીર્વાદ આપવા માટે સમારોહ સ્થળ પર પહોંચ્યા હતા. આ કારણે ગેનીબેન ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળોનું બજાર ગરમ છે.
ગેની બેન અને શંકર ચૌધરી એક જ મંચ પર
ભાજપના નેતા શંકર ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના રાજકારણમાં એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી છે. જો કે તે બંને ભાભર ખાતે વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં એક જ કારમાં સાથે આવતા તેમ જ એકબીજાના વખાણ કરતા લોકોમાં રાજકીય ક્ષેત્રે કંઈક નવાજૂની થશે તેવી ચર્ચા થઈ રહી છે. આ અગાઉ પણ ગેનીબેનએ નડાબેટ ખાતે ભાજપ સરકારના વિકાસ કાર્યોની ભરપેટ પ્રશંસા કરી હતી. તદ્દન વિરોધી વિચારણીવાળા બનાસકાંઠાના ભાજપ તેમજ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં એક મંચ પર હાજરીના કારણે નવા રાજકીય સમીકરણો સર્જશે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
ગેની બેન ઠાકોરે શું કહ્યું?
વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરે મંચ પરથી પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ” આદિવાસીઓ વર્ષો પહેલા ખિસ્તી ધર્મમાં જોડાયા હતા. આ લોકોએ આજે ખિસ્તી ધર્મ અપનાવી IAS,IPS,મામલતદાર, TDO જેવી મહત્વની પોસ્ટ પર કાર્યરત છે, અને સુખરૂપ જીવન વિતાવી રહ્યા છે. હવે આપણને જાણવા મળ્યું છે કે દલિત સમુદાયના લોકો પણ ખિસ્તી ધર્મ તરફ વળ્યાં છે. આ ચિંતાજનક બાબત છે. માટે હું હિન્દુ ધર્મના તમામ ધર્મગુરુઓ, સંતો ,મહંતો,વડીલો અને આગેવાનો ને વિનતી કરું છું કે આપ આ લોકોને મદદ અને રક્ષણ તથા સન્માન આપવા આગળ આવો, આજે આપણે આ તમામ લોકોની મદદમાં નહીં આવીએ તો સમાજો ક્યાંક ને ક્યાંક બીજા ધર્મમાં જોડાશે. આપણે ધર્મ રક્ષા કાજે આ સેવા કાર્ય કરી આવા તમામ સમાજના લોકોની મદદ કરવી પડશે.