ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી છે જ્યારે એક બેઠક ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે. બનાસકાંઠાનું સંસદમાં પ્રતિનિધિત્વ ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે. તે પહેલી વાર સાંસદ બન્યા છે. ચોમાસા સત્રમાં આજે ગેનીબેન ઠાકોર બોલ્યા હતા.. સંસદમાં તેમણે ચાંદીપુરા વાયરસને લઈ વાત કરી હતી. ગુજરાતના અનેક બાળકો ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યા છે. ત્યારે સંસદમાં તેમણે સ્વાસ્થ્ય મંત્રીને વિનંતી કરી છે કે આ વાયરસ પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે.
ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે કહેર
ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં ઘણો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને અનેક બાળકોના મોત થઈ ગયા છે. પ્રતિદિન આ વાયરસનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતનું આરોગ્ય મંત્રાલય આ વાયરસને લઈ ગંભીર દેખાઈ રહ્યું છે. ત્યારે સંસદમાં ગેનીબેન ઠાકોરે આ ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સંસદમાં રજૂઆત કરી હતી. ભાષણની શરૂઆતમાં તેમણે બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો.
બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં વધ્યો આત્મવિશ્વાસ
મહત્વનું છે કે ગુજરાતની બનાસકાંઠા માત્ર એક જ સીટ છે જે ભાજપ હારી છે. 25 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જ્યારથી ધારાસભ્યમાંથી સાંસદ ગેનીબેન બન્યા છે. ત્યારથી પોલીસ તેમજ ભારતીય જનતા પાર્ટી પર અનેક વખત તેમણે આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં મળેલી જીત બાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. કોંગ્રેસમાં ઉત્સાહ આવ્યો છે. રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા હતા. ત્યારે બનાસની બેન ગેનીબેન સંસદમાં ગાજશે તેવું લાગે છે.