વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શિક્ષકોની કરાર આધારીત ભરતીનો વિરોધ કર્યો છે. ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પ્રવિણ માળીને જાહેરમાં કહી દીધું હતું કે 156ની સરકાર છે, કરાર આધારિત નહીં કાયમી ભરતી કરો. TET, TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવેલા ગેનીબેન ઠાકોરે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ જ્ઞાન સહાયક ભરતી રોકવા માગ કરી છે. સરકાર 11 મહિનાના કરાર સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિકમાં 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. જેનો પહેલા આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે વિરોધ કર્યો છે.
ઉમેદવારોએ કરી રજુઆત
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરાર આધારીત ભરતીનો વિરોધ કર્યો છે. TET,TAT પાસ ઉમેદવારો જ્યારે ઉમેદવારો પોતાની માગ લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પાસે પહોંચ્યા હતા. બધા નેતાઓ પાસે પહોંચી ઉમેદવારોએ પોતાની માગ રજુ કરી હતી કે બારમું પાસ કરીને સ્નાતક, બીએડ, એમએડ અને ટેટ ટાટ પાસ કરીએ એમાં 11 વર્ષ નીકળી જાય દાયકો નીકળી જાય છે. ઉમેદવારો સાથે આ દરમિયાન ત્રણેય ધારાસભ્ય ઉમેદવારો સાથે હાજર હતા તે સમયે પ્રવીણ માળીએ કહ્યું કે ઉમેદવારોની માગ અને સરકાર સુધી પહોંચાડીશું, જો કે આ સાંભળીને ગેનીબેન ઠાકોર તેમને સવાલ કર્યો હતો કે ગુજરાતે તમને 156 સીટ આપી છે એ કોન્ટ્રાક્ટ બેઝ માટે થોડી આપી છે, છોકરાઓને કાયમી નોકરી આપો.
કરાર આધારિત ભરતીનો વિરોધ
‘જ્ઞાન સહાયક’ કરાર આધારિત ભરતીનો વિરોધ કરતા ઉમેદવારોએ આવેદનપત્ર આપતા કહ્યું છે કે, સરકાર દ્વારા “જ્ઞાન સહાયક”ની 11 મહિનાના કરાર આધારિત ભરતીનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવનો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા 5 –5 વર્ષથી સરકારે TET અને TAT પરીક્ષા લીધી નથી અને 2023માં જ્યારે આ પરીક્ષાઓ લેવામાં આવી તો સરકાર “જ્ઞાન સહાયક”ની કરાર આધારિત ભરતી કરવા જઈ રહી છે. કેટલાય ઉમેદવારોની ઉંમર થવા આવી છે. વધારેમાં વધારે 35 વર્ષના ઉમેદવારો જ આ નોકરીમાં જોડાઈ શકે છે તો એ એન્ગલથી જોવા જઈએ તો 2017માં જે 2600 લોકોની ભરતી કરવામાં આવી ત્યાર પછી કોઈ ખાસ મોટી ભરતી નથી કરવામાં આવી અને એ લોકો પણ હજુ કેટલા બેકાર ઉમેદવારો હશે? સરકારી નોકરીનું સપનું જોઈ રહેલા આવા ઉમેદવારો માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક” ભરતી લોલીપોપ સાબિત થઈ છે.
ઉમેદવારોની આંદોલનની ચીમકી
રાજ્ય સરકાર એક તરફ તો આ જ્ઞાન સહાયક ભરતીને વચગાળાની વ્યવસ્થા કહી રહી છે જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે. પરંતુ બીજી તરફ જ્ઞાન સહાયકની ભરતી માટે જે પ્રકિયા કરવી પડે તે જ પ્રક્રિયા કાયમી ભરતી માટે પણ છે તો સરકાર કાયમી ભરતી કેમ નથી કરતી? અત્યારે દરેક ઉમેદવાર માટે આ એક સળગતો સવાલ છે. સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરીને સીધી રીતે ભાવી શિક્ષકો અને નિર્દોષ બાળકો સાથે અન્યાય કરી રહી છે. આ જ કારણે ઉમેદવારોમાં ભારોભાર અન્યાયની લાગણી જોવા મળી રહી છે. ઉમેદવારોએ રાજ્ય સરકારને ચીમકી આપી છે કે જો આ જ્ઞાન સહાયકની ભરતી અંગે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો 18 જુલાઈના રોજ તેઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર પણ ઉતરશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.