સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારથી ચૂંટાયા ત્યારથી એમની ચર્ચા થઈ રહી છે. સંસદમાં તેમણે જબરદસ્ત ભાષણ આપ્યું હતું જેમાં તેમણે બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો. સંસદમાં ગુજરાતનો અવાજ બનતા હોય પણ એક તસવીર જેના કારણે ગેનીબેન ઠોકરની ચર્ચાઓ વધી છે એ છે ગેનીબેન ઠાકોરની અમિત શાહ સાથે થયેલી મુલાકાત.
ફોટો સામે આવતા અનેક તર્ક વિતર્ક
જે તસવીર સામે આવી છે તે રાજનીતિની સુંદર તસવીર કહેવાય કારણ કે ઇલેક્શન વચ્ચે જે નેતાઓ એકબીજાં પર કટાક્ષ કરતા હોય એ જીત બાદ આ રીતે સાથે પણ જોવા મળી શકે છે. ગઈકાલે ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેમ મુલાકાત કરી એ મોટો પ્રશ્ન હતો. ઘણાં લોકો માનતા હતા કે શું એક માત્ર કોંગ્રેસના સાંસદ ટૂંક સમયમાં કેસરિયા કરશે તો બીજા અનેક તર્ક વિતર્કો હતા..
આ કારણોસર ગેનીબેન ઠાકોર મળ્યા હતા અમિત શાહને
ગેનીબેન ઠાકોર કેમ અમિત શાહને મળવા ગયા હતા એની વાત કરીએ તો ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને 2020થી બંધ કરી દેવામાં આવી છે તે ગ્રાન્ટ ચૂકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રજૂઆત કરી હતી. તો આ ગ્રાન્ટ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે મળીને ગૃહ મંત્રીને રજૂઆત કરી એટલે પક્ષપલટાની કોઈ વાત નથી!
અર્જુન મોઢવાડિયા પણ મળ્યા હતા અમિત શાહને
મહત્વનું છે કે ગઈકાલે અમિત શાહને મળવા માટે અર્જુન મોઢવાડીયા પણ ગયા હતા જેની પાછળનું કારણ તો મંત્રી મંડળના વિસ્તરણની આસપાસનું હોઈ શકે છે. જો ગુજરાત સરકાર મંત્રી મંડળનું વિસ્તરણ કરે તો એમાં નાવા ચેહરાઓને સ્થાન મળી શકે જેમાં અર્જુન મોઢવાડીયા હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.
ભાજપનો વિજયરથ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં રોક્યો
ગેનીબેન ઠાકોરની જેટલી ચર્ચાઓ થઈ રહી છે એટલી જ ઈન્ટ્રસ્ટિંગ એમની જીત અને ચૂંટણીના પરિણામ પણ હતા. ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભારે પડ્યા હતા. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 30 હજાર 406 મતોથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. ખાસ વાત છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપની હેટ્રિક રોકી લીધી અને પછી બધાના ચર્ચાનું કેન્દ્ર ગેનીબેન બન્યા!