જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર પર દબાણ વધારવા અનેક સમાજ આગળ આવી રહ્યા છે. માલધારી સમાજ બાદ કોળી સમાજે સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ તાલુકામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાતા રાજકારણ ગરમાયું છે.
અમારા સમાજની 10 માગણી પર સરકાર ધ્યાન આપે - કોળી સમાજ
જસદણ કોળી સમાજના પ્રમુખે કહ્યું કે અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગામમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેને વધારામાં આવે. સરકાર અમારી 9 પડતર માગણી પર ધ્યાન આપે તેવી રજૂઆત કરવામાં આવશે.સરકાર તેમની માગને તાત્કાલિક સ્વીકારે તેવી માગ કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સંમેલનમાં સમાજના તમામ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં પણ કુંવરજીભાઈ અને ભોળા ગોહિલ બંન્નેને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ કેમ હાજર રહ્યા નહીં તે પ્રશ્ન છે.
વાંકાનેરના AAPના નેતા વિક્રમ સોરાણી રહ્યા હતા ઉપસ્થિત
વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, આ સંમેલન અમારા સમાજમાં જે
કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા થયું છે, બીજું અમારા
સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી માગ કરવામાં આવી હતી.
સરકારની ચિંતામાં થતો વધારો
એક તરફ સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક સમાજો મહાસંમેલન કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી સરકારને ઝૂકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માલધારી સમાજની અનેક માગ સ્વીકારાતા કોળી સમાજ પણ આંદોલનના માર્ગે આગળ વધી શકે છે.