અબજોપતિ બિઝનેસમેન અને રેમન્ડ ગ્રુપના બોસ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચેના છૂટાછેડાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે નવાઝે સિંઘાનિયાની લગભગ 11,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં 75 ટકા હિસ્સો પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા-નિસા માટે માંગ્યો છે. હવે માત્ર એક દિવસ બાદ તેણે મારપીટ કરાવાનો ગંભીર આરોપો લગાવ્યો છે.
લાત અને મુક્કા મારવાનો આરોપ
મીડિયા રિપોર્ટ મુજબ નવાઝ મોદીએ રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ગૌતમ સિંઘાનિયાએ તેને અને તેની પુત્રીને નિર્દયતાથી લાતો અને મુક્કા માર્યા હતા. તેનો દાવો છે કે સિંઘાનિયાએ તેને અને તેની સગીર પુત્રી નિહારિકાને લગભગ 15 મિનિટ સુધી માર માર્યો હતો.
જન્મદિવસની પાર્ટીમાં આશ્ચર્યજનક હુમલો
નવાઝ મોદીએ કહ્યું કે 9 સપ્ટેમ્બરના રોજ ગૌતમના જન્મદિવસની પાર્ટી પછી સવારના 5 વાગ્યા હતા ત્યારે હું અને મારી બંને પુત્રીઓ પણ કેટલાક મિત્રો સાથે હાજર હતા. તેણે અચાનક હુમલો કર્યો અને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હું માત્ર કલ્પના કરી શકતી હતી કે તે બંદૂક અથવા કોઈ હથિયાર લેવા ગયો હતો. નવાઝે કહ્યું કે તે તેની પુત્રીને બીજા રૂમમાં ખેંચીને લઈ ગઈ અને પછી તેની પીઠને સહારો આપવા માટે ટુવાલ લેવા ચાલી ગઈ હતી.