શોર્ટ સેલર હિંડનબર્ગની નેગેટીવ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુશ્કેલી સતત વધી રહી છે. જો કે હવે તેમના ભાઈ વિનોદ અદાણીને લઈ જાણીતા બિઝનેશ મેગેઝીન Forbesએ મોટો ખુલાસો કર્યો છે. Forbesએ વિનોદ અદાણી પર એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
Forbesએ શું કહ્યું?
Forbesની જાણકારી મુજબ ગૌતમ અદાણી તેમના ભાઈ વિનોદ અદાણીની ખુબ જ નજીક છે. Forbesએ વિનોદ અદાણી અંગે ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે વિનોદ અદાણીએ સિંગાપુર સ્થિત તેમની કંપની માટે એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી છે. આ લોન માટે તેમણે ગૌતમ અદાણીની કંપનીના બેનામી સ્ટેકને ગીરો મુક્યો છે. આટલું જ નહીં તેમણે આ અંગેની માહિતી ભારતીય બેંકોને પણ આપી નથી. Forbesની આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રમોટરના હિસ્સાને બેંકોંને જણાવ્યા વગર જ ગીરો મુક્યો છે.
કોણ છે વિનોદ અદાણી?
વિનોદ શાંતિલાલ અદાણી દેશના જાણીતા બિઝનેશ મેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે, વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે પરંતુ દુબઈમાં રહે છે. સાયપ્રસ એ યુરેશિયન ટાપુ દેશ છે જેની રાજધાની નિકોસિયા છે. વિનોદ અદાણી મુંબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર કરે છે. તેની સાથે સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેઓ વિશ્વના સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે. તેઓ અદાણી ગ્રુપની ઓફશોર કંપનીઓ સંભાળે છે. હિંડનબર્ગની રિપોર્ટમાં પણ વિનોદ અદાણી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તે અનેક શેલ કંપનીઓ ચલાવે છે.