ગૌતમ અદાણી ભારતના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તી બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ તે વિશ્વના ત્રીજા સૌથી અમીર બિઝનેશમેન છે. હાલ તેમની સંપત્તી137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા) જેટલી છે. આ વર્ષ દરમિયાન જ અદાણીની સંપત્તીમાં 60.9 અબજ ડોલરની વૃધ્ધી થઈ છે.
કેટલી વધી અદાણીની સંપત્તી?
બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે 30 માર્ચ 2014 ના દિવસે અદાણીની પાસે માત્ર 5.10 અબજ ડોલરની સંપત્તી હતી. 16 જાન્યુઆરી 2020ના દિવસે તે વધીને 11 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. ત્યાર બાદથી અદાણીની સંપત્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 29 એપ્રીલ 2022 આવતા સુધી તો તેમની સંપત્તી વધીને 122 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, અદાણીની સંપત્તી કોરોના કાળમાં પણ કુદકેને ભૂસકે વધી હતી.
આ સમગ્ર વર્ષ દરમિયાન અદાણીની કંપનીઓના પર્ફોર્મન્સની વાત કરીએ તો અદાણી પાવર 292 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ, 294 ટકા અદાણી પોર્ટસ 108 ટકા, અદાણી ટોટલ ગેસ 109 ટકા, અદાણી ટ્રાન્સમિશન 127 ટકા,અદાણી ગ્રીન 80 ટકા અને અદાણી વિલ્મરના શેરમાં 158 ટકા વધી ચુક્યા છે.
કઈ રીતે થાય છે સંપત્તીની ગણતરી
ફોર્બ્સ કે બ્લુમબર્ગની યાદીમાં ચમકતા ધનકુબેરોની યાદી જોઈએ ત્યારે આપણને સ્વાભાવિક રીતે એ સવાલ થાય છે કે તેમની સંપત્તીની ગણતરી કઈ રીતે થતી હશે.? રીચેસ્ટ લિસ્ટમાં આવતા બિઝનેશમેનની શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના ભાવ અને તેમનું તે કંપનીઓમાં હોલ્ડિંગના ગુણાકાર કરીને સંપત્તીનું કુલ મુલ્યાંકન નક્કી કરવામાં આવે છે. કંપનીના શેર અને તેમાં હિસ્સો જેટલો વધુ તે પ્રમાણે તે બિઝનેસમેનની સંપત્તી વધતી રહે છે. ઉદાહરણ તરીકે એક સમયે વિપ્રો કંપનીના ચેરમેન અઝીમ પ્રેમજી દેશના સૌથી ધનવાન બિઝનેશમેન હતા, અઝીમ પ્રેમજીની કંપનીના શેર ઘટતા આજે અમીર બિઝનેશમેનની યાદીમાંથી નિકળી ગયા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે પ્રેમજીએ તેમની સંપત્તીનું દાન પણ કર્યું હોવાથી તેમની કુલ સંપત્તી ઘણી ઘટી ગઈ છે. ગૌતમ અદાણીનું તેમની કંપનીઓમાં માતબર હોલ્ડિંગ હોવાથી તેમની કંપનીઓના શેર વધવાની સાથે-સાથે તેમની સંપત્તી પણ દિનપ્રતિદિન વધી રહી છે.
અદાણી ગ્રૂપ પર 2.3 લાખ કરોડનું દેવું
અદાણીની વધતી સંપત્તી અંગે જગવિખ્યાત રેટિંગ એજન્સી ફિચ (Fitch) રેટિંગ્સે તાજેતરમાં ચેતવણી ઉચ્ચારી હતી. ફિચ રેટિંગ્સની ક્રેડિટ સાઈટ્સએ અદાણી ગ્રૂપ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર વધી રહેલા દેવા અને કેશ ફ્લો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફિચના રિપોર્ટમાં અદાણીની કંપનીઓની આવક, દેવું અને તેના શેરના ભાવમાં અસમતોલન પર આંગણી ચિંધવામાં આવી છે.
અદાણી ગ્રૂપની શેર બજારમાં છ કંપનીઓ લિસ્ટેડ છે અને આ કંપનીઓ પર વર્ષ 2021-22માં 2.3 લાખ કરોડનું દેવું હતું. આ દેવામાં પણ કેટલીક લોન તો ડોલરમાં ચૂકવવાની છે. આ બાબત સૌથી વધુ ચિંતાજનક છે. અદાણીની કંપનીઓના નેટ કેશ ફ્લો એટલે કે કંપનીઓની કમાણી કરતા તેના પર લોનની ચૂકવણીનું ભારણ વધુ છે.
ફિચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપના બેંકોની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી સાથેના મજબુત સંબંધોનો પણ ઉલ્લેખ કરાયો હતો. અદાણીના આ સંબંધ જ તેમના માટે સૌથી મોટી રાહતકારક બાબત છે.