રાજ્યમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. સુરતમાં અનેક વખત ચોરી થવાની ફરિયાદ આવી રહી હતી. આ ચોરી રોકડ કે દાગીનાની ન હતી પરંતુ ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદો થતી હતી. ત્યારે પોલીસે સુરતના કપોદ્રરા વિસ્તારમાં રહેતા એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 25 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે.
ડુપ્લીકેટ ચાવી બનાવી ગેસ સિલિન્ડરની કરતો ચોરી
મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓ મોઘી થઈ રહી છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે સુરતમાં એક એવો ચોર સામે આવ્યો જે ગેસ સિલિન્જરની ચોરી કરતો હતો. સુરતમાં એક ચોર ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરની ચોરી કરી લેતો. પોલીસને અનેક ફરિયાદો આ અંગે મળતી હતી. જેને કારણે પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી મળ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરતો અને ડુબ્લીકેટ ચાવીની મદદથી ગેસનો બાટલો ચોરી કરી ફરાર થઈ જતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુન્હાની કબૂલાત કરી છે. અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.