ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. શેરી ગરબાથી શરૂ થયેલી ગરબાની પ્રથા આજે પાર્ટી પ્લોટ સુધી પહોંચી છે. સરકારે પણ નવરાત્રીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થવાનું છે. ત્યારે ગુજરાતમાં આવેલા શક્તિપીઠોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી,બહુચરાજી,પાવાગઢ,ચોટીલા સહિત 9 શક્તિપીઠો પર ગરબા રમાશે.
'મા'ના સાનિધ્યમાં યોજાશે ગરબા
નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો માતાજીના દર્શન કરવા શક્તિપીઠના દર્શને જાય છે. ભક્તિભાવ તેમજ ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠના ચાચર ચોકમાં ગરબા કરવાનો અનેરો મહિમાં હોય છે. જેને લઈ ખેલૈયાઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.
ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય ગુજરાતીઓનો પ્રસંગ ગરબા વગર અધૂરો લાગે. ત્યારે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. અનેક પ્રતિબંધોને કારણે મોટા આયોજનો રદ્દ કરાયા હતા. લાંબા સમયથી ગરબા રમવા ન મળતા લોકોમાં આ વર્ષે ડબલ ઉત્સાહ જોવા મળે છે. સરકાર પણ મોટા પાયે ગરબાનું આયોજન કરી રહી છે ત્યારે ગુજરાતના 9 શક્તિપીઠો પર પણ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગરબા માટે પ્રખ્યાત ગુજરાતીઓ ઘણા સમય બાદ ગરબે ધૂમશે.