ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઈશારો આપ્યો છે જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાભરના વજાપૂર ગામે રોડના ખાતમૂહુર્તના પ્રસંગે ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે વાતોવાતોમાં ઉમેદાવારોના નામ માટે ઈશારો આપી દીધો હતો. તેમના કહેવા પ્રમાણે રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી માટે કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરશે.
પાર્ટી નામ જાહેર કરે તે પહેલા ગેનીબેને કર્યો દાવો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપે અથવા કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ અંગે બંને પાર્ટીમાં વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 ઉમેદવારોને ટિકિટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાધનપૂરથી રઘુભાઈ રબારી ચૂંટણી લડશે જ્યારે ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે.
હાઈકમાન્ડ ઉમેદવારના નામ પર લગાડશે મોહર
કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા ગેનીબેન ઠાકોરના આવા દાવાથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસની સ્ક્રીંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 25 તારીખે જગદીશ ઠાકોર અને સુખરામ રાવઠા દિલ્હી જશે જે બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરશે. હાઈકમાન્ડ નામ પર મોહર લગાડશે તે બાદ ઉમેદવારોના નામ જાહેર થશે.