ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે આવી કહેવાતી વાતો પર રોજ ગુજરાતના જ લોકો એક તમાચો મારી રહ્યા છે. રોજ લોકો ગુજરાતના કાયદા અને વ્યવસ્થાને પોતાના પગ નીચે કચડીને આગળ વધી રહ્યા છે. આ બધા લોકો એ હકીકત બતાવે છે જે લોકો એવા દાવા કરે છે કે અમે ગુજરાતમાં શાંતિ લાવ્યા, અમે આવા કાયદા બનાવ્યા, અમે લોકોને સુરક્ષિત રાખીયે છીએ! આ અમે જ કર્યું છે એવું કહે છે એમને પૂછવું છે કે આ છે ગુજરાત જ્યાં 7 વર્ષની દીકરી પર રેપ થાય છે, ખુલ્લેઆમમાં કોઈની હત્યા થઇ જાય છે? અનેક એવા કિસ્સાઓ છે જેમાં ભાજપના જ નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે.
સાત વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ
ગઈકાલે જ વિસ્તૃતમાં ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની વાત કરી હતી. સત્તા પક્ષ પર બેઠેલા લોકોને અરીસો બતાવવો છે જે ફાંકા મારે છે કે ભાઈ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બહુ સારી છે. લોકો પોતાને સુરક્ષિત મહેસુસ કરતા હતા. જો મોડી રાત સુધી દીકરી ઘરે આવતી ન હતી તો માતા પિતાને ટેન્શન ન રહેતું કે દીકરી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ગુજરાત દીકરીઓ માટે સુરક્ષિત નથી રહ્યું. નાની નાની દીકરીઓ પર બળાત્કાર આચરવામાં આવી રહ્યો છે. અમદાવાદના વટવામાં સાત વર્ષની દીકરી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બુમાબુમ કરી રહી હતી તો તેના અવાજને દબાવવા માટે આરોપીએ તેનું ગળું દબાવ્યું અને તેનું મોત થઈ ગયું. આ એક ઘટના નથી જેને લઈ પ્રશ્નો ઉભા થાય પરંતુ આવા તો અનેક કિસ્સાઓ છે.
ધોળા દિવસે જ ભાજપના નેતાની કરાઈ હત્યા!
ગુજરાતમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ગઈકાલે ભાજપના જ નેતા મધુબેન જોશીની 18-20 વર્ષના છોકરાઓએ હત્યા કરી નાખી. એના પર આખી ચર્ચા કરી એવી આશા સાથે કે ક્રાઈમ ઓછો થશે પરંતુ સાંજ પડે તે પહેલા જ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી. કાયદા વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠતા હોય છે, જ્યાં સુધી પરિસ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી આવા પ્રશ્નો થતા રહેશે.
બોટાદમાં પૈસાની વાત પર કરાઈ યુવકની હત્યા!
પરિસ્થિતિ બદલાશે એવી આશા હતી ત્યારે તો આના કરતા પણ વધારે ખરાબ સમાચાર સામે આવ્યા. એક ઘટના બોટાદથી સામે આવી જેમાં શીરવાણીયા ગામે કેટલાક લોકો દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી. અલ્પેશ વિરાજા નામના વ્યક્તિની માત્ર પૈસાની લેતી દેતી જેવી નજીવી બાબત પર હત્યા કરી દેવાઈ. આવી આ તો અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે જ વાપીના હાઉસિંગ સોસાયટીમાં રહેતા યુવક પર કેટલાક લોકો દ્વારા હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનાં સીસીટીવી પણ વાયરલ થયા હતા.
એક સમય હતો જ્યારે લોકોને સુરક્ષાનો ડર ન હતો પરંતુ હવે...
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર શખ્શો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવે છે જૂની અદાવતમાં યુવકને મારમારવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે . આવા લોકોને તમે ગલીના ગલીના ગુંડા નહીં કહો તો શું કહેશો? ગુજરાતમાં જ્યાં રાત્રે 2-3 વાગે નીકળતા પેહલા વિચારતાં ન હતા ત્યાં હવે લોકોને નીકળતા પહેલા વિચારવું પડે છે કારણ કે ગલીએ ગલીએ આવા ગુંડાઓ લોકો બની રહ્યા છે. તમને ખબર જ નથી કે તમારી કઈ વાત કોઈને પસંદ નથી આવી ને એ મારી નાખશે! નવજીવી વાતનો ધ્યાનમાં રાખી લોકો હિંસક બની રહ્યા છે અને એકબીજા પર ઘાતકી હુમલો કરવામાં આવે છે. જ્યાં સુધી લોકોમાં કાયદાનો ડર નહીં હોય ત્યાં સુધી આવી પરિસ્થિતિ, આવી ઘટનાઓ બનતી રહેશે.!