ઉત્તર પ્રદેશના બલિયાના ગંગાજીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર ઘટના બલિયાના માલદેપુર ગંગા ઘાટ પર બની છે. 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ છે, જેમાં બે ડઝનથી વધુ લોકો ડૂબી જવાના સમાચાર છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. માછીમારો અને ડાઇવર્સ સતત લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
મુંડન સંસ્કાર માટે આવ્યા હતા લોકો
બલિયા જિલ્લાના માલદેપુર સંગમ ઘાટ પર હજારો લોકો સોમવારે મુંડન સમારોહ માટે એકઠા થયા હતા. મુંડન સંસ્કાર માટે ગંગા પાર જઈ રહેલા મુસાફરોથી ભરેલી બોટ અચાનક જ ડૂબી ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા, જેના કારણે બોટ નદીની વચ્ચે પલટી ગઈ હતી. જેમાં ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ત્રણ મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક બોટમેન અને પોલીસે 12 થી વધુ લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પોલીસ અને ડાઇવર્સની ટીમ અન્ય લોકોને શોધી રહી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ત્રણ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઘાટના કિનારે ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.