ગુજરાતમાં વિવિધ શહેરોમાં આજે ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ સાથે ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જેમ કે વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક પગલાભરીને મંજૂસર અને સાવલીમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સાવલીના MLAએ કહ્યું જવાબદારો સામે થશે કાર્યવાહી
પથ્થરમારાની ઘટનાના પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનારા કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે, ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.
ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બે લોકોના મોત
જ્યારે અન્ય એક ઘટનામાં ગણપતિ વિસર્જન દરમિયાન 5 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. ગણપતિની પ્રતિમાને વીજ વાયર અડી જતા 5 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. ખંભાતની નવરત્ન સિનેમા પાસે આ ઘટના બની છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આણંદના ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો. ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન દુર્ઘટનાં સર્જાતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.