G-20 સમિટને લઈ વિશ્વના અનેક નેતાઓ ભારતના મહેમાન બન્યા છે. દિલ્હી ખાતે જી-20 સમિટ યોજાઈ છે જે બે દિવસ ચાલવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વના ટોપ લીડર ભારત આવ્યા છે. ભારત મંડપમ ખાતે બેઠકની શરૂઆત થઈ ગઈ છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે પીએમ મોદી ખુદ આયોજન સ્થળ પર હાજર છે. પીએમ મોદીએ વિદેશથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જી-20માં ભાગ લેવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતના મહેમાન બન્યા છે. તે સિવાય દક્ષિણ આફ્રિકાના રાષ્ટપતિ પણ ભારત મંડપમમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક વાતો કહી હતી.
ભારતની પહેલ પર આફ્રિકન યૂનિયન બન્યું જી-20નું સ્થાઈ સદસ્ય
જી-20ના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું તમારા બધાની સંમતિથી આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલા આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જાણ કરવા માંગુ છું. G20ના કાયમી સભ્ય તરીકે હું તમને તમારું સ્થાન લેવા આમંત્રણ આપું છું. PMએ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો.
સંબોધનમાં ભૂકંપની ઘટના અંગે શોક કર્યો વ્યક્ત
ભારતમાં યોજાયેલી જી-20 સમિટમાં ભાગ લેવા ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત આવ્યા હતા. સમિટમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. સંબોધનની શરૂઆત પીએમ મોદીએ મોરક્કોમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.ભૂકંપની દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહી આ વાત
તે બાદ ભારતના મહેમાન બનેલા વિદેશી નેતાનું તેમણે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ આવેલો છે. તેના પર લખાયેલું છે કે માનવતાનું કલ્યાણ હંમેશા નક્કી કરવામાં આવે. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ધરતીએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. દુનિયા આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહી છે. તેથી આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવાનું છે.